20 ફેબ્રુઆરી, 2011

દર્શન અને દિશા

શ્રી એમ.એન.કંપાની આર્ટસ એન્ડ શ્રી એં.કે.શાહ કોમર્સ કોલેજ શિક્ષણના પવિત્ર યાત્રાધામ શ્રી શારદાગ્રામની ઉચ્ચ શિક્ષણની એક મહત્વની શાખા છે. શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્ય ઘડતરને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીમાં પડેલી અપાર શક્તિઓને ઉજાગર કરતી શ્રી શારદાગ્રામ સંસ્થા આઝાદી પહેલા ઈ.સ. 1921 થી કરાંચી મુકામે શારદામંદિર રૂપે કાર્યરત હતી. જે આઝાદી બાદ માંગરોળ મુકામે શિક્ષણની જ્યોતને જલતી રાખે છે.
સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું માંગરોળ, ભૌગોલિક, સાંસ્કૃતિક અને સામાજિક દૃષ્ટિએ વિશિષ્ટતા ધરાવતું એક નગર છે. એક બાજુથી પશ્ચિમનાં સાગર કિનારે ઉછળતો ઉદધિ અને  બીજી બાજુથી ફળોથી લચી પડતા વૃક્ષોને કારણે આ વિસ્તાર ' લીલી નાઘેર ' તરીકે પ્રખ્યાત છે. વનશ્રીની શોભા વચ્ચે ૧૧૦ એકરમાં પથરાયેલું શ્રી શારદાગ્રામ સંસ્કાર અને સરસ્વતીનું સંમિલન સાધી આદર્શ નાગરિક ઘડતર માટે પ્રતિબદ્ધ છે.
મહાત્મા ગાંધીજીએ આ વિસ્તારમાં બુનિયાદી કેળવણી પ્રાપ્ત થાય, તે માટે પ્રેરણા આપી. જેને ગાંધીજીના વૈચારિક વારસદાર પૂ. મનસુખરામ જોબનપુત્રાએ ચરિતાર્થ કરી બતાવી. સાથે સાથે રવીન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતનની શિક્ષણ પ્રણાલીનો અન્વય સાધી સૌન્દર્ય અને સંસ્કારનો સમન્વય થયો. શ્રી શારદાગ્રામના પ્રારંભ વખતે પૂ. બાપુજીનું સ્વપ્ન હતું કે સામાજિક અને શૈક્ષણિક   રીતે પછાત ગણાતા આ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની આદર્શ સંસ્થા હોય. અત્રે એ ઉલ્લેખનીય છે કે શારદાગ્રામની સ્થાપના એવા સમયે થઇ હતી કે જયારે શાળા\ મહાશાળામાં માળખાકીય સુવિધા તો ઠીક પરંતુ લેખન વાંચનની પૂરતી સામગ્રી  પણ ઉપલબ્ધ ન હતી આવા  શિક્ષણથી અભાવગ્રસ્ત વાતાવરણમાં પૂ. બાપુજીએ  વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરી, સમાજ અને રાષ્ટ્રના ઘડતર તેમજ વિકાસમાં યોગદાન આપી શકે, તેવા શીલવાન અને સંસ્કારી શિક્ષિત યુવાનો તૈયાર કરવાનો સંકલ્પ કર્યો. આવી શિક્ષણ પ્રક્રિયાના પરિપક રૂપે તૈયાર થયેલા હજારો યુવાનો, આજે પણ આ સંસ્થા પ્રત્યે અનન્ય આદર ભાવ ધરાવે છે. જેમના કારણે  શિક્ષણની એક ઉજળી પરમ્પરાનું નિર્માણ થયું છે.
પૂ. બાપુજીના મહાપ્રયાણ બાદ તેઓશ્રીના આદર્શને આત્મસાત કરી, અર્વાચીન ભામાશા એવા પૂ.દીપચંદભાઈ ગાર્ડીએ શારદાગ્રામની ભવ્ય પરમ્પરાને વિકસાવવા અને વિસ્તારવા તન, મન, અને ધનથી યોગદાન આપ્યું છે. તેમની ઉદારતા અને દીર્ઘ દ્રષ્ટિથી આજે પણ આ સંસ્થા ઉજ્જવળ ભવિષ્ય તરફ મીટ માંડવા સક્ષમ છે. 
 શ્રી શારદાગ્રામ સંસ્થા પ્રત્યેના આત્મીય અનુરાગથી પ્રેરાયને, મુંબઈ સ્થિત શ્રી નવીનચંદ્ર કંપની અને શ્રી કિશોરભાઈ શાહ પરિવારે આર્થિક અનુદાન આપી ઉચ્ચ શિક્ષણ માટે ભવ્ય અને સુવિધાપૂર્ણ મહાલય નિર્મિત કરી આપ્યું. દાતાશ્રી પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરતા સંસ્થાએ આ પરિવારોનું નામ કોલેજ સાથે જોડ્યું અને એ રીતે " શ્રી એમ.એન.કંપાની આર્ટસ એન્ડ શ્રી એં.કે.શાહ કોમર્સ કોલેજ " ભવ્ય  શૈક્ષણિક પરંપરાને અને સંસ્થાના નિશ્ચિત, નિયોજિત ધ્યેયને મૂર્તિમંત કરવા પ્રયત્નશીલ છે.
તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા કર્મઠ અધ્યાપકો દ્વારા અપાતું શિક્ષણ, જીવનમૂલ્યો અને રાષ્ટ્ર ભાવના પ્રાગટ્ય દ્વારા ગ્રામોત્થાન અને વર્તમાન પડકારો સામે સજ્જ બને એવા વ્યક્તિત્વનો વિકાસ તેમજ ઉચ્ચ શિક્ષણની નવી દિશામાં સધાતું વિસ્તરણ આ સંસ્થાને વિશિષ્ટ બનાવે છે. 
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાતા આ વિસ્તારમાં ગરીબ અને અભાવગ્રસ્ત સમુદાયને ઉચ્ચ શિક્ષણની સગવડ પ્રાપ્ત થાય, એટલુજ નહિ પરંતુ કોમ્પ્યુટર ઈન્ટરનેટ જેવી આધુનિક શિક્ષણ પ્રણાલીઓને અભ્યાસક્રમ સાથે જોડી વર્તમાન સમય સાથે આ સંસ્થાના વિદ્યાર્થીઓતાલ મેળવે તેવી કાળજી પણ લેવામાં આવે છે. નવી શિક્ષણ પ્રણાલી, નવા અભ્યાસક્રમો અને નવા શૈક્ષણિક પડકારો સામે સમર્થ રીતે મુકાબલો કરવાની ચોક્કસ તૈયારી સાથે સંસ્થા નિશ્ચિત ધ્યેય અને આયોજન સાથે પ્રતિબદ્ધ છે.


Dr. Hamirsinh Zankat
Principal 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો